તારીખ ; ૩૧ ઓકટોબર ૨૦૦૮
સમય ; સાંજના ૪.૨૫
સ્થળ ; મારો બેડરૂમ.
સાંજના ૪.૨૫ થઇ હતી. મેં મારી આખી બપોર કાયદાના ચોપડાઓ સાથે વિતાવી હતી.હું કાયદાના ચોપડાઓથી ઘેરાયેલો હતો.મારા મગજમાં હિંદુ કાયદાઓ, મિસ્લિમ કાયદાઓ, પારસી કાયદાઓના વિચારો નો પ્રવાહ અવિરતપણે વહેતો હતો.હું થાકયો અને મેં ચોપડાઓને એમના નિવાસ સ્થાનમાં મોકલી આપ્યા. ત્યારબાદ મેં લંબાવ્યું મારા પલંગ પર ઓશિકા ને ટેકા તરીકે લઇ મેં નિરાંતે પગ લંબાવ્યા અને આંખો બંધ કરી. ઘરમાં કોઇ હતું નહિં અને બસ ચારે તરફ એકદમ શાંતી જ શાંતી પથરાયેલી હતી.મારી ડાબી તરફ દિવાલ પર લટકાવેલી ઘડીયાળમાં સેકન્ડ કાંટાનું ટક...ટક...ટક મને ખુબ જ સ્પષ્ટપણે સંભળાતું હતું અને મને એ ઘડીયાળનું ટક...ટક...ટક પણ એ સમયે ખુબ જ કર્ણપ્રિય લાગ્યું હતું.. અને મારા ઘરની આસપાસ કયાંકથી ટીવી કે મ્યુઝિક પ્લેયરમાંથી વાંસળીનો અવાજ આવતો હતો જે મને ધીમો ધીમો પણ ખુબ જ સ્પષ્ટ સંભળાતો હતો અને જાણે કે સોનામાં સુગંધ ભળી. મેં વિચારો ના દરિયામાં ડુબકિ મારી. મારા સ્મુતિપટ પર મારા બાળપણ થી લઇને અત્યારે ૨૨ વર્ષ સુધીની વિવિધ ક્ષણો ઉભરી આવી. બાળપણમાં દાદા-દાદિ પાસે કરેલા લાડ અને એમણે પુરી કરેલી જીદો, પપ્પાનો માર, મમ્મીની મમતા, "કયારેક" પપ્પા એ કરેલ વ્હાલ તેમજ નાની નાની બાબતો કે ઘટનાઓ જેનું એ સમયે કોઇ મુલ્ય ન હતું તે આજે મારા માટે અમુલ્ય બની ગઇ. સ્કુલમાં કરેલા તોફાનો, ટીચરે આપેલ શિક્ષા, રિઝલ્ટ કાર્ડ માં આવેલ "વર્ગમાં પ્રથમ નંબરે પાસ" ની એક લીટીથી મમ્મી પપ્પાની આંખો એ બાઝેલા આંસુઓના લીલા તોરણ એ બધું જ યાદ આવવા લાગ્યું અને સાથેજ મારી આંખોના ખુણાઓ ભીના થવા લાગ્યા.સ્કુલ બાદ કૉલેજમાં લીધેલ એડમિશન અને ત્યાં કરેલ મસ્તીઓ.છોકરીઓને "ઇમ્પ્રેસ" કરવા અજમાવેલ વિવિધ નુસ્ખાઓ અને કેટલાક ગાંડપણો યાદ આવ્યા અને હોઠ પર હાસ્યનું ગુલાબ ખિલ્યું. કેટલીય ભુલો કરી એના પરીણામો ભોગવ્યા કેટલીક ભુલો સુધારી પણ કેટલીક હજી પણ કરવાની ચાલુ જ છે. કેટલાય મિત્રો બનાવ્યા જેમાંથી કેટલાકનો સાથ હજુ છે અને કેટલાય વિખુટા પડયા અને જયારે એ મિત્રો મળે છે ત્યારે દિલમાં ગુલાબનો બગીચો ખીલે છે. જીવન ની નિશાળમાં ભણેલા રમુજી તેમજ ગંભીર પાઠો અને તેમાંથી દરેક વખતે કંઇ નું કંઇ શીખવા મળેલ. સ્કુલ પુરી કર્યા બાદ જીવને દરેક વખતે અણધાર્યો વળાંક લીધો અને દરેક વળાંકે "ડ્રાયવિંગ" સુધર્યું. અને એમ ભુતકાળનો રસ્તો કાપતાં કાપતાં પહોંચ્યો હું વર્તમાનમાં જયાં મારી આગળ હતું મોટું પ્રશ્નાર્થ ચિહ્ન કે, "હવે શું ???" આગળ રસ્તો કયાં જાય છે ??? હવે જીવનની સફરમાં કયાં કયો વળાંક આવશે, કેવો વળાંક આવશે, આગળ શું છે ??? જેવા અનેક પ્રશ્નાર્થ ચિહ્નો મારા મનને ઘેરી વળ્યા...જયાં આવતી કાલનો...અરે હું આ લેખ પુરો કરીશ કે નહિં એનો પણ કોઇ ભરોસો નથી ત્યાં માણસ શું કામ "રિટાયર પ્લાનિંગ્સ" કરતો રહે છે ??? તો એનો જવાબ પણ મને મારા એ "પ્રશ્નાર્થ ચિહ્ન" માં જ મળ્યો. અને એટલામાં નજીકમાં આવેલી મસ્જિદમાં અજાન પુકારાય. મારી વિચારધારા તુટી અને મારી એ ટક...ટક...ટક કરતી ઘડીયાળ ૪.૫૦ નો સમય બતાવતી હતી અને જાણે મારી સામુ હસતી હતી.
કયારેક તમે પણ ઘડીયાળની ટક...ટક...ટક માં બેસીને વિચારજો તમારી એ ઘડીયાળ "પ્રશ્નાર્થ ચિહ્ન" નો જવાબ ચોકકસ આપશે.
જીવનની સફર હજુ ચાલુ જ છે અને મંઝિલ લાપતા છે........
-રાજન ઠકકર
Monday, November 3, 2008
Subscribe to:
Posts (Atom)