Saturday, March 14, 2009

વૈશ્વિક મંદિ

આજે વિશ્વ મંદિની ગર્તા માં ધકેલાયું છે ચારો તરફ મંદિની બુમરાણ મચી છે.કોઇ ને પણ પુછો "દિવાળી કેવી ગઇ ???" તો ચાલુ કરશે, "યાર જવાદો ને આ મંદિ એ પત્તર ઠોકિ છે" અને જો તમે સુરત માં રહેતા હો તો પત્યું જીવનમાં કયારેય સાંભળ્યું ન હોય એવું સાંભળવા મળશે જોકે એ વાત અલગ છે કે સૌથી વધુ ખર્ચો એ "મંદિ" વાળા જ કરતા હોય છે.જો તમે એમને પુછશો કે,"કેમ બાબુભાઇ શું થયું આ વખતે તો મંદિ હતી ને તો આ નવા કપડાં, નવો દાગીનો, આટલા બધા ફટાકડા ?" તો એ બાબુ એના માથાના બે-ચાર વાળ ગણતો ગણતો હસી ને જવાબ આપશે, "શું છે ને કે તમાચો મારી ને પણ ગાલ લાલ રાખવો પડે છે." સાલું એ બાબલા ને એક તમાચો મારી ને એનો ગાલ સાચે જ લાલ કરવાનું મન થાય છે.માન્યા કે અત્યારે મંદિની અસર છે પણ જેને લાગુ પડે છે એને ઠિક છે આ તો દરેક જણ મંદિ ના નામની માળા જપે છે.ચાલો તમે મને કહો શું કયારેય પ્લમ્બર ને મંદિ લાગુ પડશે ??? તમારા બાથરૂમનો નળ બગડયો હોય તો તમે ગમે એવી મંદિ હોય એ નળ રિપેર કરાવવા તેજી ની રાહ જોવા નથી બેસવાના અને એમ કરવા જાઓ તો રોજ રોજ તમારી સવાર બગડે.તમારૂ સ્કુટર લઇ ને તમે તમારી પત્નિ સાથે(બીજાની હોય તો ગાડી લઇ જવી પડે) ચોપાટી જાઓ છે અને રસ્તામાં પંકચર પડે છે તો ત્યારે તમે રિલાયન્સના ભાવ ઉંચકાવાની વાર નથી જોવાના. ત્યારે તમે તરત જ આજુબાજુ કોઇ રહેમાન કે ઉસ્માન ગેરેજ વાળાને શોધવા જાઓ છો. જાઓ પુછી આવો સિગરેટના બંધાણી ને એને કયારેય કોઇ મંદિ નડી છે ??? જાઓ પુછી આવો દારૂ ના બંધાણી ને એને કયારેય કોઇ કાયદો કે મંદિ નડિ છે ??? અને તમે જોજો આ મંદિનિ વાતો પણ એવા લોકો જ કરતા હોય છે કે જેઓ ના ધંધામાં કયારેય મંદિ આવતી નથી જેમ કે આ પલ્મબર, ગેરેજ વાળા...અથવા તો એવા લોકો જેઓ મંદિ માં કાળા બજારીયા કે ઉંધાચત્તા ધંધા કરીને અઢળક રૂપિયો બનાવે છે જેમ કે ઉપરોકત બાબુભાઇ.
મને અન્ય રાજ્યોનું તો નથી ખબર પણ આપણા ગુજરાતના દરેક શહેર માં કેટલીક બાબતો કૉમન જોવા મળશે.સૌથી પહેલી બાબત દરેક ઘરમાં શેરબજારની પ્રવુતિઓ, બીજી બાબત દરેક સોસાયટીની બહાર પાનનો ગલ્લો અને દરેક શાક બજારની બહાર પાણી પુરી ની લારી.પાણી પુરી ની વાતો હમણાં નથી કરવી એ ફરી કયારેક કરીશું. હા તો હમણાં વાતો કરતા હતા મંદિ અને શેર બજારની. આપણે ને થાય કે ચાલો જમીને રાત્રે એકાદ સિગરેટ સળગાવી આવીએ કે એકાદું કલકતી સાદું ખાઇ આવીએ એ વિચારે હું કયારેક એ શર્માજી ના ગલ્લે જાઉં છું તો ત્યાં મને હાથમાં સિગરેટ અથવા તો મોઢામાં "૧૩૫" ના ડુચા સાથે વૈશ્વિક મંદિના કારણો, એના માટે જવાબદાર વ્યકિતો અથવા તો પરિબળો અને મંદિ દુર કરવાના ઉપાયો અંગેની ચર્ચા કરતાં કાંતિભાઇઓ, શાંતિભાઇઓ, સુરેશભાઇઓ મળી આવે છે. અરે આ ઉદયન મુખરજી ખબર નહિં કેવી રીતે CNBC માં પહોંચી ગયો બાકિ મારૂ ચાલે તો હું ઉદયનની જગ્યાએ આ શાંતિ, કાંતિ અને સુરેશ ને જ મોકલી આપું અરે ભાઇ વર્ષોથી એમને મંદિમાં રહેવાનો બ્હોળો અનુભવ છે તો એમના અનુભવનો લાભ ત્યાં શર્માજી ને ત્યાં આવતા લોકો ને જ કેમ પણ દરેકને મળવો જોઇએ. અરે જો તેમનાથી આપણા વિશ્વની મંદિ દુર થતી હોય તો એનાથી રૂડું શું ???ચાલો હવે હું આ લેખ પુરો કરુ છું મારે પણ મંદિ છે અને બોલપેનો ના ભાવ વધ્યા છે...

અતીતના સંભારણાં

ટીક...ટીક...ટીક...ઘડીયાળ માંથી ઉત્પન્ન થતાં આ સંગીતથી તમે અજાણ નથી.જે નથી કોઇની વાટ જોતું કે નથી કોઇની પરવા કરતું.બે ટીક...ટીક...ની વચ્ચે કરેલા ત્રણ ટપકાંઓની પણ રાહ જોતું નથી.બસ વણથંભ્યો સમય એનું કામ કરતો જાય છે કહેવાય છે કે સમય પાણીના પ્રવાહની જેમ અવિરત પણે વહિ જાય છે પરંતુ હવે તો પાણીનો પ્રવાહ પણ અટકાવી શકાય છે પરંતુ નથી અટકાવાતો માત્ર ને માત્ર સમય.કબાટ માં ફાંફાં મારતા મારતા કયાંક કોઇ ફાઇલમાંથી પીળો પડી ગયેલો જનમ દાખલો હાથમાં આવે ત્યારે અહેસાસ થાય છે, "અરે ! આપણે તો મોટા થઇ ગયા." આજે અરીસાની સામે ઉભો રહિને વાળ ઓળું છું ત્યારે એમાં ચમકતી ચાંદી પરિપકવતાનો પુરાવો આપે છે અને મને ખોવાય જવાય છે અતીતના સંભારણાંઓમાં,જન્મ થયો એ સમયે ન હતા મોબાઇલ કે ન હતા કોમ્પયુટર કે ન હતું ટીવી.હતી તો બસ માત્ર ઘરનાં ખાલી ઓરડાંઓમાં જગ્યા અને એટલી જ જગ્યા દિલમાં...સ્કુલમાં એડમિશન. થોડૉ ડર, થોડો ગુસ્સા સાથે રોજ સ્કુલે જવાનું .મમ્મી હેતથી વાળ ઓળી આપે, નાસ્તાનો ડબ્બો તૈયાર કરી આપે, બુટની દોરી ધ્યાનથી બાંધી આપે કે રખેને મારૂ બાળક દોરીને કારણે પડી જાય છતાંય એ બધું 'હાંસ્ય' માં મુકીને બપોરે કે સાંજે સ્કુલેથી પાછા આવીએ ત્યારે હાલત મિલ મજુર જેવી થઇ જાય.વેકેશનમાં મામાને ઘેર જવાનો ઉત્સાહ, શેરી અને વર્ગોમાં મિત્રો સાથે કરેલી ધમાલ બધું યાદ આવે છે.ઉચ્ચતર માધ્યમિક માં પ્રવેશ લીધો એ સમયે એવું લાગ્યું હતું કે હવે તો મોટા થઇ ગયા છતાંય જીવનશૈલીમાં લેશમાત્ર ફરક નહિં ફરક માત્ર એટલો કે દેખાવ પ્રત્યે સભાન બન્યા...એમને એમ કૉલેજમાં પ્રવેશ લીધો અને ત્યાં દેખાવ પ્રત્યે થોડાં વધારે પડતાં જ સભાન થયાં.હોઠે યુવાનીના પુરાવા રૂપે મુંછના દોરાઓનું આગમન અને છોકરીઓને "ઇમ્પ્રેસ" કરવાં રોજ નવાં ને નવાં ગતકડાંઓનો આશરો...વિવિધ 'ડે' ની ઉજવણી અને એની સાથે જોડાયેલા દરેક યાદગાર પ્રસંગો.કૉલેજકાળમાં હાથમાં પહેલ વહેલી પકડેલી પકડેલી સિગરેટ જે તે સમયે શોખ હતો જે આજે જરૂરિયાત બની છે.કૉલેજ ના છેલ્લા છેલ્લા વર્ષ સુધી કારકિર્દી માટે ન લેવાયેલો નિર્ણય જે વડીલો સાથે માત્ર ૩ કલાકમાં લીધો હતો.ત્યારબાદ લગ્ન નક્કિ થયા અને ભવિષ્યનાં સુખી સંસારનાં સપનાઓની વણઝાર.ભાવિ પત્નિ સાથેના મીઠા ઝગડાઓ અને એને મનાવવા લખેલી આડી અવળી કવિતાઓ અને દરેક કવિતા બાદ એના મુખ પરનું એ હાસ્ય હજુય યાદ આવે છે કે જાણે હજુ ગઇ કાલની જ તો વાત છે. લગ્ન કરીને સંસાર માંડયો બધાં ઝગડાઓ, રિસામણા, કવિતાઓ વરાળ થઇને ઉડી ગયું. ઝગડાઓ તો હજુ પણ થાય છે પરંતુ થોડા ઉગ્ર સ્વરૂપના છતાંય સંસાર છે ચાલ્યા કરે એમ કહિને મન મનાવ્યું...બાળકોનું આગમન અને સંસાર માં સંપુર્ણપણે પ્રવેશ.બાળકના ભવિષ્યની ચિંતા,સ્કુલમાં એડમિશન અને તેઓની દરેક જરૂરિયાત સંતોષવા કેટલીય ઇચ્છાઓની અવગણના કરવી પડી હતી અને છતાંય આજે તો એમજ સાંભળવા મળે છે, "તમે અમારા માટે કર્યું શું છે ???" એમ ને એમજ ત્રીસીમાં પ્રવેશ અને બાળકોએ ગુમાવેલી દાદા-દાદીની છત્રછાયા.ઘરમાં એક પછી એક વડીલોએ લેવા માંડેલી વિદાઇઓ અને ઘરમાં વડિલ તરીકે મેળવેલું સ્થાન.બાળકોના ભણતર અને ઇચ્છાઓનાં લાંઆઆઆબા લિસ્ટમાં બીજા વીસ વર્ષ એક જ ઘરેડમાં વિતાવ્યા.બાળકોનો યુવાનીમાં પ્રવેશ અને આપણો પ્રોઢાવસ્થામાં...બાળકોની કારકિર્દિનું ટેન્સન અને બીજી તરફ લગ્નનું , બાળકો "સેટ" થયાં ત્યાં ઘણાં કોડથી તેને માટે કન્યાની ચલાવેલી શોધ ત્યાં એક દિવસ અચાનક ઘરમાં નવદંપતિનું થયેલું આગમન...(શું અમે એટલા પણ નજીક ન હતાં કે અમને જણાવી ન શકો ???)છતાંય હેતથી કરેલું સ્વાગત થોડો સમય બધું બધું બરાબર ચાલ્યું અને ત્યાંજ વચ્ચે નડતરરૂપ બન્યું 'જનરેશન ગેપ' પુત્રની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ અને આપણે હતાં મુક પ્રેક્ષક...'વન'વાસ ભોગવીને જન્મદિવસની કેક પર સાંઠ મીણબતીઓ ગોઠવવાનો સમય આવ્યો ત્યારે નોકરીમાંથી નિવ્રુતિ જાહેર થઇ હતી અને વિચાર્યું હતું કે ચાલો હવે આપણી મરજી થી જીવીશું ત્યાંતો અચાનક જીવન સંગિની એ હાથ છોડયો અને દુનિયાને સદાને માટે અલવિદા કહિને ચાલી નીકળી.ઘરમાં એક વ્યકિતીની વિદાય સાથે જ નવી વ્યકિતનું આગમન થયું જેની સાથે રમવામાં અને કાલીઘેલી ભાષામાં વાતો કરવામાં થોડાં વર્ષો ખેંચી કાઢ્યા ત્યાંતો એણે પણ દુનિયાદારી ના પાઠ શીખવા સ્કુલમાં પ્રવેશ લીધો.'ચાંદામામા' અને 'ચંપક'નું સ્થાન 'ફેન્ટમ' અને 'સુપરમેને' લીધું .ત્યારબાદ તો રોજ સવાર-સાંજ મંદિર અને બગીચામાં જ પુરી થાય છે.તુંકારે બોલાવવા વાળું કોઇ રહ્યું નથી જેથી હવે તો જલ્દિથી 'વિઝા' પાસ કરાવીને પુષ્પકમાં બેસીને મારા મિત્રોને, મારી સખી સમી અર્ધાંદિની ને મળવું છે...
-રાજન ઠકકર.