Sunday, October 19, 2008

પવલાનો પુનઃવસવાટ ગંગાનગરમાં

મારો ખાસ મિત્ર પ્રવિણ હમણાં મને બસમાં મળ્યો હતો. વર્ષો પહેલા એ અમારી ગંગાનગર સોસાયટીમાં જ રહેતો હતો પછી એ એના પરિવાર સાથે ગામ રહેવા ચાલ્યો ગયો હતો. એ સુરત એની નોકરીના ઇન્ટરવ્યુ માટે અને છોકરીના ઇન્ટરવ્યુ માટે જતો હતો ત્યારે એણે શું કર્યું હતુ એ તો મેં આપને જણાવ્યું ત્યારબાદ ૨-૩ દિવસ પછી એક સાંજે મારી પર ફોન આવ્યો. હું ઓફિસમાં બેઠો હતો અને મારો મોબાઇલ રણકયો...મેં ફોન ઉચક્યો, "હલો કોણ બોલો ???" પ્રવિણ, "અલા કાં(કયાં) છે ??? હું કરે છે ???" અચાનક થયેલા આવ હુમલાથી હું ડઘાઇ ગયો. હું શું બોલું ન બોલું ના અવઢવ માં હતો ત્યાં એણે ફરીથી ફોન પર બરાડો પાડયો, "સાલા કાં મરી ગિયો ??? પ્રવિણ બોલું છું પ્રવિઇઇઇઇણ." એનો ફોન પર અવાજ એટલો મોટો હતો કે મારાથી પણ ઘાંટો પડાઇ ગયો, "કોઅઅઅઅઅણ ???". મારા સિનિયર અને બાકિના મારા જેવા જુનિયર મિત્રો મારી સામે જોવા લાગ્યા.હું તરત જ ઓફિસની બહાર નીકળી ગયો.
"અલા પ્રવિણ બોલું પવલો... પવલો..." -પ્રવિણ.
"બોલ શું કામ હતું ??? હું અત્યારે ઓફિસમાં છું." મેં ફોન જલ્દિ પતાવવા કહ્યું.
"હાંભળ ઉં કાલે આવવાનો છું. બપોરે ૨.૦૦ વાગાની આસપાસ.બાકિની વાત તાં આવીને કરા." -પ્રવિણ.
મેં "ઓકે" કહિને ફોન મુકિ દિધો.બીજા દિવસે રવિવાર હતો એટલે હું બપોરે જમીને આરામથી કોમ્પ્યુટર પર ગીતો સાંભળતો હતો ત્યાં જ એણે મારા ઘરે આવીને બુમ પાડી, "રાજનીયાઆઆઆઆઆ" મારે કોણ પુછવાની જરૂર ન હતી હું તરત જ બહાર નીકળ્યો. મને આનંદ પણ એટલો જ થતો હતો અને મુંઝવણ પણ એટલી જ થતી હતી ત્યાં જ એણે ચોંકાવનારા સમાચાર આપ્યા, "યાર રાજનીયા આપણે જામિ પયડા." એ બહુ ફોર્મ માં આવે છે ત્યારે એવું એવું બોલે છે કે મને કંઇ સમજાતું નથી મેં એને કહ્યું કે ભાઇ જરા ખુલી ને વાત કર મને કંઇ સમજાયું નહિં...તો કહે, "સાલા તું વકિલ થવાનો પણ તને તો કંઇ હમજ જ ની પડે."
" અલા મેં તને તે દિવસે ની કયલુંઉઉઉઉ ???" ત્યારબાદ એણે કવિ નર્મદની જેમ આંગળી ઉંચી કરીને સંજ્ઞા કરી બોલ્યો, " નોકરી અને છોકરીઇઇઇ ????" હું એ શું કહેવા માંગે છે એ તરત સમજી ગયો અને મેં એક સામટું "હા હા હા હા" કર્યું. તેમ છતાં મને ગુંચવણ હતી કે આ છોકરી માં જામી પડયો કે નોકરીમાં પણ એણે મારી આતુરતાનો તુરંત અંત આણ્યો કારણ કે એ મને કહેવા એટલો જ ઉત્સુક હતો એણે મને ખુશ ખબર આપ્યા કે એને નોકરી અને છોકરીની લોટરી લાગી છે.હું ખુબ ખુશ થયો અને એણે મને કહ્યું કે અત્યારે એનું જુનું ઘર ખોલીને સાફ કરવાનું છે આમ કહિને એણે મારી બધી ખુશી પર ગરમ બપોરે ઠંડુ પાણી રેડયું તેમ છતાં હું અને પવલો એના જુના ઘરે ગયા.પવલા એ તાળું ખોલીને ઓટલો સાફ કર્યો અને ઉંબરે પગે લાગ્યો એ ઢ્ર્ષ્ય જોઇને હું ખુબ ભાવુક થયો મને લાગ્યું કે ચાલો લસણમાં કંઇ ગંભીરતા તો આવી પણ એણે મારી એ માન્યતાનું તરત જ ખંડન કર્યું.અમે બંને એના ઘરમાં ગયા ત્યાં ચારે તરફ ધુળના ઢગલા હતા અને હરામખોરે જાણી જોઇને પંખો ચાલુ કર્યો અને બધી ધુળ મારી પર ઉડી.તે સમયે જો તમે મને જુઓ તો એમજ લાગે કે આ માણસને ધુળ પ્રત્યે ખુબ લાગણી છે.મને પવલા પર ખુબ જ ખુન્નસ ચઢયું ત્યારબાદ અમે બંને વીર યોધ્ધાઓની જેમ હાથમાં ઝાડૂ અને ગાભા લઇને મેદાનમાં ઉતર્યા.લગભગ ૨ કલાક મહેનત કર્યા બાદ અમે એનું ઘર સાફ કરી પરવાર્યા.અને અમે બંને ચા પિતા મારા ઘરે બેઠા હતા ત્યાં એનો મોબાઇલ રણ્કયો અને એ તરત જ મારા ઘરની બહાર નીકળ્યો અને હું કંઇ સમજું એ પહેલા એણે જોરમાં બુમ પાડી, "આ બાજુઉઉઉઉઉઉઉ.....ઇંયાયાયાઆઆઆઆ" અને એક જોરમાં સીટી મારી ત્યાં તો એક ટેમ્પો અમારા ઘરની પાસે આવીને ઉભો રહ્યો અને એમાંથી એક છોકરી ઉતરી એ છોકરી એમ તો સારા ઘરની લાગતી હતી પણ એ ટેમ્પામાંથી ઉતરી એટલે મને થોડૂં આશ્ચર્ય થયું પણ મેં એ બાબતે બહુ ધ્યાન ન આપ્યું.પવલા એ તરત જ ટેમ્પાનો કબ્જો લીધો અને મને બુમ પાડી, "ચાલ સાલા કામે લાગી જા... આ સામાન ગોઠવવામાં મદદ કર,આમ ઉભો ઉભો જોયા હું કરે છે ?".હું કામે લાગ્યો મેં અને પ્રવિણ એ બધો સામાન ટેમ્પામાંથી ઘરમાં મુક્યો અને ટેમ્પા વાળૉ પેલી છોકરીને લીધા વિના વિદાય થયો એણે પ્રવીણ પાસે ભાડું પણ ન માંગ્યુ એ વાતની મને નવાઇ ન લાગી કારણ કે એ અમદાવાદિના પૈસે ગાંઠીયા ખાઇ આવે એવો છે.ત્યારબાદ એ સામાનનો કબ્જો પેલી છોકરી એ લીધો હું અને પ્રવિણ એને સામાન ગોઠવવામાં એની મદદ કરતા હતા અને બીજા એકાદ કલાકની મહેનત બાદ બધૂ કામ પત્યું.અને ત્યારે મારી અકકલ ઘાસ ચરવા ગઇ હતી કે મેં એ છોકરી ને કહ્યૂ, "ઓ બાઇ જરા અહિંયા સાફ કરી દો અહિંયા ગંદુ થયું છે." અને મેં વાંદરાના હાથમાં તલવાર આપી. પવલો મચી પડયો એ પણ "ઓ બાઇ... ઓ બાઇ" કરવા માંડયો.અને ન હોય ત્યાંથી ગંદકિ શોધીને સફાઇ કરવવા
લાગ્યો. એમ તો હું નિયમિત સિગરેટ નથી પિતો પણ તે દિવસે પવલા એ કહ્યું, "ચાલ એક એક સુટ્ટો મારવા જઇએ." અને હું અને પવલો એના ઘરની પાછળના ભાગમાં ઉભા ઉભા નિરાંતે સિગરેટ પિતા હતા ત્યાં જ પેલી છોકરી કંઇ શોધવા આવી.પ્રવીણએ એને જોઇને ફટાફટ સિગરેટ ફેંકિ દિધિ અને મને અચાનક સિગરેટ પિવાના ગેરફાયદા સમજાવવા માંડયો.હું જરા ગુંચવાયો કે આ કહેવા શું માંગે છે ??? અને કંઇ બોલું એ પહેલા પેલી બાઇ કે જેનું નામ રેખા હતું (જે મને પાછળથી જાણ થઇ હતી) એ આવી અને પવલાને કહેવા લાગી, "તમે તો આવું જ કરો છો, મને કાલે જ તો પ્રોમિસ આપેલું કે અવે તમે કોઇ દિવસ બ્રિસ્ટોલ ની પિઓ અને આજે આ તમારા દોસ્તાર હાથે બ્રિસ્ટોલ પિવા માંયડા." અને છણકો કરીને ચાલી ગઇ.મને તો હજુ પણ કંઇ સમજ માં આવતું ન હતું કે આ બધુ શું ચાલી રહ્યું છે !!! પવલો પેલી ની પાછળ પાછળ એને મનાવવા ચાલ્યો ગયો મેં મારા હાથ
માંની સિગરેટ બુઝાવી અને કંઇ સમજી શકાય એ હેતુથી અંદર ગયો અને મને ત્યાં જ આખું રામાયણ સમજ માં આવ્યું.વાત જાણે કે એમ હતી કે ઉપરોકત છોકરી જેને હું બાઇ ના નામથી સંબોધીત કરતો હતો તે પવલાની થનાર પત્નિ હતી અને મેં ભુલથી એને બાઇ કહિને બોલાવી હતી એટલે પવલો પણ મારી અને એ રેખાની ફિરકિ લેવા એને "બાઇ...બાઇ" કરતો હતો પેલો ટેમ્પા વાળો આ રેખાનો ભાઇ હતો.પવલો સિગરેટ પિએ છે એ બાબતની જાણ રેખાને હતી અને પવલાએ છોડી દેવાનું વચન આપ્યું હતું (રેખાને નહિં સિગરેટને) પણ એ સીધો ન રહ્યો અને એણે રેખાની સામે મને છાકટો સાબિત કર્યો.આમ મારી અને રેખાભાભી ની પહેલી મુલાકાતમાં જ મારી છાપ એમની સામે કેવી પડી છે એ વિચારી વિચારી ને હું થાકિ ગયો છું અને મને એક વાતનો તો વિશ્વાસ છે કે એમની સામે મારી છાપ ખરાબ ભલે ન પડી હોય તો સારી તો નથી જ પડી...
હવે તો આ જોડી થી ઇશ્વર જ બચાવે.

Monday, October 13, 2008

હું અને પવલો બસમાં...

મારી કૉલેજ મારા ઘરથી આશરે ૨૨-૨૫ કિલોમિટર દુર કામરેજ હાઇ-વે પર છે જેથી હું આપણી એસ.ટી. બસ માં મુસાફરી કરું છું.હમણાં થોડા સમય પહેલા સવારે ૧૧ વાગ્યાની આસપાસ હું કૉલેજથી સુરત આવવા માટે બસની વાર જોતો હતો અને બસને આવવામાં પણ ખાસ્સું મોડું થયું હતું જેથી ત્યાં સારી એવી ભીડ જમા થઇ હતી.સમય પસાર કરવા કે માખી ઉડાડવા કે પોતાને ઠંડક આપવા કે અન્ય જે કંઇ પણ કારણ હોય લોકો આંખ ચુંચવી કરીને પોતાનો રૂમાલ હવામાં ફેરવતા હતા અને જાણે બધાની મશ્કરી કરવા આવી હોય એમ એક બસ આવી એ બસને જોઇને મને એમ થયું કે એના કરતા તો ન આવી હોત તો વધારે સારૂ થાત કારણ કે એ બસને જોઇને મને વિશ્વાસ થયો કે આપણી એસ.ટી નો સ્ટાફ કોઇને નિરાશ કરવામાં નથી માનતો જે બધા ઉભા હોય એ દરેકને બસમાં સમાવી લેવામાં જ માને છે.ખેર બસ આવી પણ આખી ભરેલી હતી એટલે મને એમ કે આ બસ ઉભી નહિ રહે અને રહેશે તો એમાંથી બધા ઉતરી જશે પણ મારી એ બંને આશા ઠગારી નિવડી બસ આવી અને ઉભી રહિ અને એમાંથી કોઇ ઉતરવાનું ન હતું.મને એ બસમાં બેસવાનું મન ન થયું એટલે હું જરા પાછળ જઇને ઉભો રહ્યો ત્યાં તો મારા આશ્ચર્ય વચ્ચે બસમાંથી મારા નામની બુમો પડવા માંડી.હું શું કરવું ન કરવું ના વિચારમાં ત્યાંને ત્યાં જ ઉભો રહ્યો ત્યાં તો ફરીથી જોરથી બુમ પડી, "રાજનીયાઆઆઆ, ઓ વકિઇઇઇઇઇઇલ..." મને અવાજ પરિચિત લાગ્યો. મેં બસની પાછલી સીટ પાસે આવેલી બારી સામે જોયું તો ત્યાં મારો ખાસ મિત્ર પ્રવિણ બિરાજમાન હતો એ મને ક્યારનો બુમ પાડીને બોલાવતો હતો.એણે એની બાજુની સીટ પર મારા માટે જગ્યા રોકિને રાખી હતી.હું જેમ તેમ કરીને બસમાં ચઢ્યો અને એની બાજુમાં ગોઠવાયો આટલી ખિચોખિચ ભરેલી બસમાં એણે મારા માટે કેવી રીતે જગ્યા કરી એ વાતની મને નવાઇ લાગતી હતી પણ એનો સ્વભાવ જાણતા એ પ્રશ્ન પુછવાનું મેં માંડી વાળ્યું.અને એણે જે રીતે મને "રાજનીયા" કરીને બુમ પાડી હતી એ પણ મને ગમ્યું ન હતું.ખાનગિમાં એ મને આ રીતે બોલાવે એનો મને કોઇ વાંધો નથી પણ જાહેરમાં મને આમ ઘેટાં બકરાં ચરાવતો હોય એમ બુમો પાડે એ મને જ ન જ ગમે.મેં એને કહ્યું, "યાર આમ શું કામ બુમ પાડી.સારૂં ન લાગે." તો એણે ફરીથી એ જ ટોનમાં મારી ઝાટકણી કરતાં કહ્યું, "સાલા સારૂ અને ખરાબ વાળીઇઇઇ... એક તો તને ક્યારનો બુમો પાડું છું તો હાંભળતો નથી અને પાછો હોંશિયારી કરે છે...તે કયા નામે મારી બુમ હાંભળી બોલ ??? રાજન કે રાજનીયા ???" મારી પાસે એના સવાલનો કોઇ જવાબ ન હતો.પ્રવિણ બારી પાસે બેઠો હતો એની બાજુમાં હું બેઠો હતો અને મારી બાજુમાં અમારી જ ઉંમરની એક છોકરી બેઠી હતી.અમે બંને વાતે વળગ્યા.હું અને પ્રવિણ જ સ્તો...તે છેલ્લા કેટલાક સમયથી એના ગામ રહે છે અને તે દિવસે એ નોકરી ના ઇન્ટરવ્યુ માટે જતો હતો અને સાંજે છોકરી જોવા જવાનો હતો.નોકરી કે છોકરી એ બે માંથી કયું કારણ એ મને ખબર નથી પણ એ દિવસે પવલો બહુ મુડમાં હતો.એ ધીમે ધીમે એની સિટ પર પહોળો થવા માંડયો અને પરિણામે હું પેલી છોકરી તરફ ધકેલાવા લાગ્યો.એ છોકરી એ મારા વિશે ગેરસમજ કરી અને મારી સામે ડોળા કાઢીને જોયું.મેં પ્રવિણ ને કહ્યું કે યાર બરાબર બેસ આ છોકરી ને બેસવામાં તકલીફ પડે છે તો એ અવળચંડો જોરથી બોલ્યો, "હુંઉઉઉ ??? કોને નથી ફાવતું ???" અને પાછો જાતે જ એ છોકરી તરફ આંગળી કરીને બોલ્યો, "આ આન્ટી ને ???" મિત્રો અહિંયા તમને એક સલાહ આપવાનું મન થાય છે કે તમારે કોઇપણ છોકરી સાથે વાદ વિવાદ વગર શાંતીથી દુશ્મની કરવી હોય તો એને આંન્ટી કહેજો એ તમારી દુશ્મની નું પ્રપોઝલ તરત જ સ્વીકારી લેશે...
એણે પવલા સામે ડોળા કાઢ્યા.મેં પવલાને કાનમાં કહ્યું કે યાર મહેરબાની કરીને સીધો બેસ નહિં તો બંને નું આવી બનશે પણ ખબર નહિં ઘરેથી શું નકકી કરીને નિકળ્યો હતો એ ફરીથી જોરમાં બોલ્યો, "અરે યાર એ તો હું મજાક કરતો તો...બાકિ આપણે આ આન્ટિને હેરાન નો'તા કરવા" અને હે હે હે હે કરીને હસવા માંડયો.પેલી છોકરીના મગજનું તાપમાન કદાચ એ સમયે હું માપવા ગયો હોત તો ચોકકસ દાઝી ગયો હોત એમ એના મોઢા પરથી લાગતું હતું.અને એણે ચિલાચાલુ ફિલ્મનો ચિલાચાલુ ડાયલોગ માર્યો, "તારા ઘરમાં માં-બહેન છે કે નહિં ???" અને પવલા એ નફફટ થઇને જવાબ આપ્યો, "છે ને બંને ઘરે જ છે.કેમ કંઇ કામ હતું ???" પેલી એ ફરીથી કહ્યું, "કયારનો આન્ટી આન્ટી હેનો કરે છે ??? હું તને આન્ટી દેખાઉ છું ???"
"હવે તમને માજી કઉ એ હારૂ ની લાગે. તમારી ઉંમર માજી કહેવા લાયક લાગતી નથી."-પવલો.
મને ખબર ન હતી કે પવલો એના ગામ જઇને આટલો નફફટ થશે.આવા જવાબ પવલો આપતો હતો પણ ડર મને લાગતો હતો કારણ કે બસમાં ભીડ બહુ હતી અને લગભગ દરેકના આકર્ષણનું કેન્દ્ર અમારી સીટ બની હતી અને તમે તો જાણૉ છો કે છોકરીને છેડતી કરતા છોકરા પર હાથ સાફ કરવા આપણૅ સૌ કેટલા ઉત્સુક હોઇએ છે...!!!કેટલાકે તો ડોળા કાઢીને જોવું શરૂ પણ કરી દિધું હતું. આ બંનેની રકઝક ચાલુ હતી અને વચ્ચે હું બેઠો હતો.મેં પવલાની બોચી પકડી અને એના કાનમાં કહ્યું, "પવલા જો તું હવે આને કંઇ બોલ્યો છે ને તો
હું તને બારીની બહાર ફેકિ દઇશ."
"કેમ તારું અને આનું કંઇ ચાલે છે ??? એમ હતું તો યાર પહેલેથી કહેવું જોઇએ નેએએએ...",- પ્રવિણ.
મેં એની સામે ડોળા કાઢ્યા અને એ વાતની ગંભિરતા સમજીને એ કંઇ બોલ્યો નહિં.મને જરા હાશકારો થયો પણ પ્રવિણ જેનું નામ.
એ ઉભો થયો અને બોલ્યો, "ચાલો ભાઇ જરા જવાની જગ્યા આપો મારૂ સ્ટેશન આવી ગયું"
આટલી ભીડમાં બધાએ ધીમે ધીમે ખસીને જગ્યા કરી એ મને અને પેલી છોકરીને લાતમલાતી કરીને સીટની બહાર નીકળ્યો અને ફરીથી બોલ્યો, "અરે યાર હજુ તો વરાછા આયવું મારે તો આગળ ઉતરવાનું છે અને ફરિથી લાતમલાતી કરીને અંદર એની જગ્યા એ ગોઠવાયો.હવે તો મને પણ ખરેખર ગુસ્સો આવતો હતો.હું આંખ બંધ કરીને બેસી ગયો જેથી પ્રવીણ ની અવળચંડાઇ ને કારણે મારે માર ન ખાવો પડે.પણ પ્રવિણ મને ઢંઢોળી ઢંઢોળીને એની વાતમાં સામેલ કરતો હતો. એ મને જોર જોરથી મને ધબ્બા મારતો હતો અને વાતો કરતો હતો પરીણામે પેલી છોકરી સાથે વારંવાર હું અથડાતો હતો.પેલી છોકરી ગુસ્સાથી મારી અને પ્રવિણની સામે વારંવાર જોતી હતી.હું મારી લાચારી કોઇને કહિ શકું એવી સ્થિતીમાં ન હતો અને પવલો એની મસ્તી માં હતો.જેમ તેમ અમે એસ.ટી. ડૅપો પર પહોંચ્યા.બસમાંથી ઉતરીને મેં રાહતનો શ્વાસ લીધો.અને જતા જતા પવલો મને એક ખબર આપતો ગયો જે હું અત્યાર સુધી એના પરાક્રમો જોઇને નક્કિ નથી કરી શક્યો કે ખુશ ખબર છે કે આઘાત ના સમાચાર.
એ મને જતાં જતાં કહિ ગયો, "રાજન યાર જો આપણી નોકરી થઇ ગઇ તો હમજી લે આપણે પાછા આપણી સોસાયટીમાં આવી જહું."

Saturday, October 11, 2008

ચાલો છોકરી જોવા...

એમ કહેવાય છે કે Experiance Is the best Teacher પણ મને આ બાબતમાં જરા પણ અનુભવ નથી.હું Freshers છું...અને આપણામાંથી એવા ઘણાં હશે કે જેઓ ક્રિકેટ રમવા મેદાનમાં ઉતર્યા હશે અને ઘણા એવા પણ હશે કે જેઓ મેદાનમાં ઉતર્યા વિના સ્ટેડિયમમાં બેઠા બેઠા રમત અંગે ટિપ્પ્ણી કરતા હોય મારી જેમ...જયારે એક છોકરો છોકરી જોવા જતો હોય છે ત્યારે સાલું જે પરિસ્થિતી સર્જાય છે એ ખરેખર રમુજ ઉતપ્ન્ન કરે છે.આ પરિસ્થિતી કેવી હોય છે એ નો મને જે અંદાજ છે એ મુજબ છોકરો સપરીવાર પોતાની અથવા કોઇ મિત્રની ગાડી લઇને પહોંચી જાય છે એ પોતે અને એના પરીવારવાળા જાણતા હોય છે કે એ લોકો ને ત્યાં ગાડી મુકવાની જગ્યા નહિં હોય...પછી એક પછી એક બધા ગાડીમાંથી ઉતરે છે અને આજુબાજુ નજર ફેરવે છે જાણે સોસાયટી ખરીદવા આવ્યા હોય એમ અને દરવાજાતો એમ બંધ કરે છે જાણે લાલ કિલ્લાનો દરવાજો જોર કરીને બંધ કરતા હોય એમ જોર કરીને દરવાજો પછાડે છે...એ લોકો ના કપડાં જોતા ખબર પડશે કે છોકરાના પપ્પા એ એની ફાંદનું પ્રદર્શન કરતો સફારી સુટ પહેર્યો હશે એપ્રિલ-મે માં પણ...એની મમ્મી એ ભારે સાડી પહેરી હશે અને આખી દાગીનાઓ થી લદાયેલી હશે જાણે સીધી દાગીનાઓના શૉ રૂમમાંથી ચાલી આવી હોય એમ અને ગાડીમાંથી ઉતરીને પોતાના દાગીના સરખા કરશે. હવે મને એ સમજાતું નથી કે એમાં સરખું શું કરવાનું હોય ??? હાથની વીંટી નાકમાં આવી જવાની છે કે પછી બંગડી ગળામાં ભેરવાય જવાની છે ??? ત્યારબાદ વારો આવશે એના ભાઇ નો અથવા બહેનનો...જો ભાઇના લગ્ન થયા હશે તો એ નાના ભાઇને સલાહ આપતો આપતો ઉતરશે જેમ કે ગાડી બરાબર લૉક કરજે...બરાબર પાર્ક કરી... અને તદઉપરાંત છોકરી સાથે કે એના ઘરવાળા સાથે કેમ વાત કરવી કેમ વર્તવું etc...અને પછી ઉતરશે એની ભાભી એણે પણ સારો એવો ઠઠારો કર્યો હશે અને એની સાથે એના ટાબરાઓ હશે અને ભાભીનેતો એના ટાબરીયાઓ સાચવવામાંથી જ સમય ન મળતો હોય અને બુમો પડતી હશે "ચિંટુ ચાલ અહિંયા આવ...જો અહિંયા તોફાન ન કરતો...કયાં જાય છે ચાલ મારો હાથ પકડ..."
અને જો બહેન હશે અને કુંવારી હશે તો western outfits પહેર્યા હશે અને ગાડીમાંથી મરક મરક કરતી ઉતરશે અને આજુબાજુમાં નજર મારી લેશે એ જોવા કે મારા માટે પણ એકાદ નંગ અહિંયા ભટકાય જાય તો મેળ પાડી દઉં...ત્યારબાદ સૌથી છેલ્લે ઉતરશે પેલો નંગ જેણે ફોર્મલ પહેર્યા હશે અને નીચે sports shoes પહેર્યા હશે...ખબર નહિં અત્યાર સુધી એણે ગાડી માં બેસી ને શું કર્યું...!!!! કદાચ ગાડીમાં ઝાડુ કરવા રોકાયો હશે...
અને આ દરમ્યાનમાં પેલા ભાઇ કે જેઓ વચેટીયા છે એ તો કયારના છોકરીવાળા ના ઘરમાં બેસીને વાતો કરતા થઇ ગયા હશે... છોકરી જે સોસાયટીમાં રહેતી હોય છે ત્યાં તો સવારથી જ ખબર ફેલાય ગઇ હોય છે કે પેલી શાંન્તાડીને જોવા આજે આવવાના છે એટલે આખી સોસાયટી જાણે કે પોતાના જમાઇની વાર જોતી હોય છે એમ વાર જોય છે અને એ લોકો આવે છે ત્યારે Circus ની ગાડી આવી હોય એમ અગાસીમાંથી બાલ્કનીમાંથી ઉભા ઉભા બધા પ્રાણીઓને ઓહ સોરી પેલા નંગના પરીવારવાળાઓને જુએ છે...
અને આ સમય દરમ્યાન જ છોકરી ના ઘરમાં ધમાલ મચી હોય છે...પેલી શાંન્તાડી ને ફટાફટ મોઢું ધોવાનું કહેવામાં આવે છે અને ફટાફટ તૈયાર થવાનું કહેવાય છે અને એની માં નો બબડાટ ચાલુ થાય છે, " ક્યારની કહું છું કે તૈયાર થા એ લોકો ને આવવાનો સમય થઇ ગયો છે પણ માનતી જ નથી ને મારું તો...અને હવે તમે ત્યાં શું ઉભા છો અહિં આવો અને પેલો નવો સેટ ઉતારી આપો માળીયામાંથી એ લોકો ને નાસ્તો શેમાં આપીશું...સવારનું મેં તમને કહિ રાખ્યું છે....પણ તમે બંને બાપ દિકરી મારું સાંભળતા હોઉ તો ને...."
અને છોકરાવાળા આવી જાય છે....છોકરાની માં આવે છે અને હસ્તે મોઢે કહે છે,
"આવો આવો જય શ્રી ક્રુષ્ણ... ઘર મળી ગયું ???" ના આ તો અમે અહિં ભુલ માં આવી ચઢયા...
"બેસો બેસો..." - છોકરીની માં અને એની આંખોના ડોળા શાંન્તાડીના બાપ પર હોય છે અને કહેતી હોય છે કે - "જાઓ ને ભૈ'સાબ હવે નાસ્તાની ડીશા ઉતારો ને..."
"બેસો હું જરા હમણાં આવું છું." એમ કહિ ને શાંન્તાડીની માં અંદર રસોડામાં ચાલી જાય છે અને એનો બાપો બહાર આવે છે..Ofcourse યાર ડીશો ઉતારીને જ તો...
અને પછી જાણે આખા દેશ નો વહિવટ એ લોકો ચલાવતા હોય એમ દેશની રાજનીતીનિ, સ્ટોક માર્કેટ ની, રમત ગમત અંગે બધી ચર્ચાઓ ચાલે છે અને જો ભુલથી જો બંને ના ધંધા સરખા હોય તો પત્યું...
શાંન્તાડીનો બાપો કહેશે, - "યાર હવે ધંધામાં પહેલા જેવી મજા નથી રહિ બધું ઠંડુ માર્કેટ છે ખબર નથી શું થવા બેઠું છે."
એટલે પેલા નંગનો બાપો કહેશે, - "સાચી વાત છે ભાઅય" એમ કહિ ને સુર પુરાવસે અને પછી તરત જ કહેશે કારણ કે એને નીચા નથી નમવું, - "એ તો સારું છે કે આપની પર ભગવાનની દયા છે.શું છે ને કે આપણે વર્ષો થી કામ કરીએ એટલે ધંધો જમાવ્યો છે બાકિ નવા નિશાળીયાનું કામ નહિં..."
પેલો નંગ મોજામાંથી પગના અંગુઠા દ્વારા જમીન જ ખોતરતો રહેશે અને કંઇ બોલશે નહિં...એના ભાઇ ભાભી એના પોતાના પરીવારમાં વ્યસ્ત થઇ ગયા હશે અને શાંન્તાડીની માં અને પેલા નંગની માં અંદર અંદર આને ઓળખો પેલાને ઓળખો કરીને ઓળખાણ કાઢતા રહેશે... અને થોડી વાર આમ જ ચાલશે અને પછી સમય આવશે આપણા નાટક ના મુખ્ય ભાગનો જેમાં શાંન્તાડી અને પેલા નંગ ને એકલા મુકવામાં આવ્શે...ચાલો આપણે એ નંગ નું નામ તો આપીએ...એનું નામ છગન ઉર્ફ છગનીયો...
હવે ખરી મજા આવે છે.છગન અને શાન્તા બંને એકલા પડે છે.છગન સતત એ વાતનું ધ્યાન રાખ્તો હોય છે કે કયાંક એની વધી ગયેલી ફાંદ દેખાય ન જાય અને સતત સજજન દેખાવાનો પ્રયત્ન કરતો હોય છે.વાતની શરૂઆત નામ પુછીને કરવામાં આવશે...પેલો પુછશે,-"શાન્તાજી તમારૂ નામ શું છે ???" શાન્તા પણ જરા શરમાઇને પોતાની ઘસાઇ ગયેલી અકકલનું પ્રસર્શન કરતાં જવાબ આપશે, "જી, શાન્તા" અને પેલો ડોબો એના વખાણ કરશે, "વાહ ખુબ સરસ નામ છે" અલ્યા અકકલ ના ઓથમિર આ તો તારી બા નું નામ લાગે છે.ખેર પછી વાત આગળ વધી રસોડામાં જાય છે, "તમને રસોઇ બનાવતા આવડે ?"
ઓફકોર્સ આ સવાલ છગન પુછે છે... આ બધુ કંઇ લખ લખ ન કરવાનું હોય..."જી આવડે છે." -શાન્તા. છગન પછી પોતાની જાતને સંજીવ કપુર સમજવા માંડે છે અને પુછે છે,-"તો કહો મને ચણાના લોટમાંથી શું શું બને ???" શાન્તા પણ પોતે પાકકલા વિશેષજ્ઞ હોય એમ જવાબ આપે છે,"ફાફડા, ભજીયા, ગાંઠિયા" છગન, "હમ્મ્મ... બીજું ???" શાન્તા, "મગસ, બુંદિના લાડુ, મોહનથાળ." અને એવા છગનીયાઓ જાણે ફરસાણની લારી ખોલવાના હોય એમ બીજું બીજું કર્યે રાખતા હોય છે.અલ્યા પોપટ આટલી વાનગીઓમાં તો તારા બાપાનું બારમૂં અને તેરમું પણ થઇ જાય. છગન,- "તમને કોઇ હોબીનો શોખ ખરો ???" શાન્તા,- "જી મને ભજન ગાવાનો બહુ શોખ છે.તમને ખબર છે મેં ગયા વર્ષે મારા નાનીના જન્મદિવસે એક ભજન ગાયું હતું અને ભજન સાંભળીને મારા નાની એટલા ભાવુક થયા હતા ને કે એમને તરત જ હાર્ટએટેક આવ્યો હતો..."
આવા ને આવા કંઇ કેટલાય વાહિયાત સવાલ જવાબો ચાલતા હોય છે...છોકરા છોકરી વચ્ચે...જો કે હું આ બધૂ લખું છું પણ બની શકે મારે પણ ભવિષ્યમાં આવા જ વાહિયાત સવાલ જવાબ - સવાલ જવાબ રમવું પડે...બાકિ તો ઇશ્વર બચાવે...

દિવાળી પહેલાની સાફ સફાઇ

દર વર્ષે દિવાળી આવે અને બસ ચાલુ થઇ જાય બધાના ધમપછાડા..ઘરની સાફ સફાઇ, કપડાની ખરીદિ, તોરણીયા, ફરસાણ અને મિઠાઇઓ બનાવવી અથવા તો બજારમાંથી તૈયાર લેવા દોટ મુકવી...
ખરી મજા આવે છે દિવાળીની સાફ સફાઇ કરવામાં આવે ત્યારે... હવે તો બધી સફાઇ નોકરો પાસે કરાવવામાં આવે છે પણ અમે જ્યારે નાના હતા તે સમયનો બનેલો બનાવ મને હજુ યાદ છે અમારા ઘરની બાજુમાં રહેતા એક અંકલ અને આંટીએ એમના ઘરનું સફાઇ અભ્યાન હાથ ધર્યું હતું,અંકલ માળીયામાં ઝાડુ લઇને બેઠા હતા અને આંટી એમને નીચે ઉભા ઉભા માર્ગદર્શન આપતા હતા અને એવામાં એક ગરોળી ક્યાંકથી હરખ પદુડી થઇને એમને ભેટવા સામી આવી અંકલે ગભરાયને જોરથી ઝાડુ વિંઝયું અને મોટો ધુળનિ ઢગલો નીચે ઉડયો અને સાથે કંઇ બીજી વસ્તુ પણ ઉડિ જે સુધી નીચે ઉભેલા આંટી ના માથે અથડાય અને સાથેજ આંટી આખા ધુળથી ભરાય ગયા તે સમયે આંટીનું મોઢું જોવા જેવું હતું મને તો ખુબ હસુ આવતુ હતું પણ પરિસ્થિતીની ગંભીરતા સમજીને મૌન ધારણ કર્યું કયાંક આંટીનું નિશાન ફંટાઇને મારા તરફ આવે તો.આંટીએ પોતાનો ગુસ્સાભિષેક અંકલ પર કર્યો, "અરે તમે હું કરો છો ? જરા જોઇને કામ કરતા હું થાય છે ? આ જો હું કયરું ? મને આખી ધુળથી નવડાવિ દિધી.એક પલવડી આવી એમાંતો આટલા બિ ગ્યા.એક કામ કરવા આપે એ પણ બરાબર નથી કરતા." અમારી હાજરી ને કારણે અંકલ થોડા ભોંઢા પડયા પણ અમે સજજનની જેમ બહાર જવાને બદલે નફફટની જેમ ત્યાં જ ઉભા રહ્યા અને અંકલ જરા અમારી સામુ જરા આંટીની સામુ જોવા લાગ્યા અને પરાણે મોઢું હસ્તું રાખતા હતા.આંટી એ એમનું ભાષણ ચાલુ રાખ્યું, "હવે આમ મોઢું હું જોયા કરો છો જરા ઉતાવળ કરો ને મારે કંઇ બીજા કામ હોય કે નહિં ? કે તમારી પાછળ આમ મારે નીચે જ આખો દિવસ ઉભા રહેવાનું છે ?" અને એટલામાં ઘરનો ફોન રણક્યો અને આંટીએ ફોન ઉપાડયો અને ફોન પર વાત કરવા મંડી પડયા એ ફોન એમની સહેલીનો હતો અને એમણે એ ફોન ચોરાફળીની રીત પુછવા કર્યો હતો અને આંટી એમની ડાયરી શોધવા માળીયા નીચે મુકેલ ટેબલ ઉપાડી ગયા અને અંકલ બિચારા મોઢું વકાસીને મારી સામું જોવા લાગ્યા અને મારી પાસે કંઇ મદદ માંગે એ પહેલા હું મારા મિત્રો સાથે લખોટી રમવા ત્યાંથી ભાગી છુટયો...

નવરાત્રી અને મારા અનુભવ

મિત્રો મેં નવરાત્રીમાં છેલ્લા ૨-૩ વર્ષથી રમવા જવાનું બંધ કર્યું છે અથવા તો એમ કહું કે સોસાયટીમાં મારી પર પ્રતિબંધ છે અને મને રમવાનું મન થાય તો બધા રમીને પરવારે પછી વિનંતી કરું તો છેલ્લે એકાદ બે આંટા મારવા દે છે. શું છે ને કે આપણૉ તહેવાર ઉજવતા બીજા કોઇને તહેવાર ખરાબ ન થવો જોઇએ.આ પહેલા મને અને મારા ઘરની બાજુમાં રહેતા પ્રવિણને ગરબા અને દાંડીયા રમવાનો બહુ શોખ.અમે બંને અમારી સોસાયટી ના COP પર જયાં નવરાત્રી થાય છે ત્યાં રમવા પહોંચી જતા.સદનસીબે અમારા બંને માંથી કોઇના માતા-પિતાને ગરબા રમવાનો શોખ નથી એટલે અમારા કરતુતો તેઓ જોઇ શકતા ન હતા પણ ખબર મળતી હતી કે તમારા રાજનીયા એ આજે આમ કયરું કે પ્રવીણયા એ આજે આમ કયરું.પણ અમે બંને "ના અમે આમ કયરું જ નથી" નું રામબાણ ચલાવતા અને પુરાવાના અભાવે અમે બંને નિર્દોષ છુટી જતા અને નકકી કરતા કે હવેથી ધ્યાન રાખીશું કે કોઇ ગરબડ ન થાય.પણ હાય રે નસીબ કે અમે એક વર્ષ પણ એવું કાઢયું હોય કે જેમાં અમે સોસાયટીના નવરાત્રીમાં ગરબડ ન કરી હોય.દાંડીયાનો હથિયાર તરીકે ઉપયોગ કરી કેટલાય લોકોના અમે માથા ભાંગ્યા છે, ગરબા રમતાં કેટલીયવાર બાજુવાળાના ધોતીયામાં પગ ભેરવાય જવાને કારણે અંધાધુંધી સર્જી છે અને એવા તો કેટલાય પરાક્રમો કર્યા છે પણ છેલ્લે જે બનાવ બન્યો ત્યારબાદ સોસાયટીવાળાઓ એ અમારા પર પ્રતિબંધ લાદ્યો છે.એક વખતે નવરાત્રીના ૨-૩ દિવસ પહેલા જયારે બધી તૈયારી ઓ કરતા હતા ત્યારે હું અને પવલો ત્યાં પહોંચી ગયા અને SMC ના અધિકારીઓની જેમ ત્યાં ઉભા ઉભા બધું નીરીક્ષણ કરતા હતા.એક માણસ માંડવાની ઉપર કાથીની દોરી લઇને ધીમે ધીમે ખેંચતો હતો,પવલાની નજર ત્યાં ગઇ અને એને અચાનક મદદ કરવાની ચળ ઉપડી એ બીજા વાંસ પરથી ચઢીને ઉપર ચઢયો અને જોરથી પેલી કાથીની દોરી ખેંચી કાઢી અને તરત જ મંડપના બીજા ૨-૩ વાંસ હલવા લાગ્યા અને પેલો માણસ અને પવલો બંને નીચે ઉતરવા ગયા કે તરત જ આખો મંડપ ભોંય ભેગો થયો અને પવલાના સદનસીબે કે પેલા માણસના કમનસીબે પવલો પેલા માણસ પર પડયો અને એણે ૧૦ દિવસ ગરબા હોસ્પિટલમાં ગાયા.તેમ છતાં ત્યાં એ વર્ષે ગરબા તો રમાયા જ હતા અને અમારા પરચુરણ પરાક્રમો તો ચાલુ જ હતા જે હું ઉપર કહિ ગયો એ.અને એમ ને એમ ૮ દિવસ તો નીકળી ગયા અને ૯મા દિવસે ત્યાં અતિથી તરીકે કોઇ રાજકારણીને બોલાવવામાં આવ્યા હતા. એમણે ખાદિના કપડા પહેર્યા હતા અને સફેદ ચકાચક લાંબી ગાડી લઇને આવ્યા હતા.એમના પેટનો ઘેરાવો જોઇને મને વિશ્વાસ થયો કે આ મહાશયને રાજકારણ માફક આવ્યું છે.તેઓ આવીને સ્ટેજ પર બેઠા અને આવકાર વિધિ અને અન્ય કાર્યક્રમ ચાલુ થયા.હું અને પવલો ત્યાં જ હતા અને મને સુરાતન ચઢ્યું કે એમણે પણ નાચવું જોઇએ એટલે હું સ્ટેજ પર ચઢયો ત્યાં સુધીમાં તો કાર્યક્રમ બરાબર જામ્યો હતો અને દાંડીયા રમાતા હતા.મેં એમને આગ્રહ કર્યો કે ચાલો રમવા અને એ પણ જાહેરમાં ના ન કહિ શકયા અને એમના અને અમારા બંને ના નસીબ ખરાબ કે તેઓ અમારી સાથે રમવા આવ્યા.હું તો ગેલમાં આવી ગયો અને એમનો હાથ પકડીને નીચે ઉતાર્યા અને તરતજ પવલો ૩ જોડી દાંડીયાની લઇ આવ્યો.હું અને પવલો અમારી જાતને વી.આઇ.પી. સમજતા હતા.અને રમવાનું ચાલુ કર્યું.પેલા મહાનુભવ પણ અમારી જેમ દાંડીયામાં હજુ નવા નિશાળીયા જ હતા.અને પવલા એ રાબેતા મુજબ રમતા રમતા એમના મોઢાં પર દાંડીયું ઠોકિ દિધું.પત્યું.... હો હા થઇ ગઇ...ચારે બાજુ જાણે બોંબ મુક્યો હોય એમ બુમાબુમ થઇ ગઇ.બાજુની સોસાયટીમાંથી ડૉકટરને બોલાવવામાં આવ્યા અને પાટાપીંડી કરવામાં આવી એમના નાકમાંથી સારા એવા પ્રમાણમાં લોહિ નીકળ્યું હતું અને એમને એમની ગાડીમાં ઘર ભેગા કરવામાં આવ્યા અને આ અંધાધુંધીનો લાભ લઇને હું અને પવલો ત્યાંથી સરકી ગયા.૨ દિવસ સુધી અમારી શોધખોળ ચલાવવામાં આવી હતી પણ અમે હાથમાં આવ્યા ન હતા.ત્યારબાદ અમારી સોસાયટીમાં કોઇ અતિથી તરીકે આવવા તૈયાર નથી અને એ ઘટના બાદ જ મારા અને મારા દોસ્ત પ્રવિણ ઉર્ફ પવલા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.