Saturday, March 14, 2009

અતીતના સંભારણાં

ટીક...ટીક...ટીક...ઘડીયાળ માંથી ઉત્પન્ન થતાં આ સંગીતથી તમે અજાણ નથી.જે નથી કોઇની વાટ જોતું કે નથી કોઇની પરવા કરતું.બે ટીક...ટીક...ની વચ્ચે કરેલા ત્રણ ટપકાંઓની પણ રાહ જોતું નથી.બસ વણથંભ્યો સમય એનું કામ કરતો જાય છે કહેવાય છે કે સમય પાણીના પ્રવાહની જેમ અવિરત પણે વહિ જાય છે પરંતુ હવે તો પાણીનો પ્રવાહ પણ અટકાવી શકાય છે પરંતુ નથી અટકાવાતો માત્ર ને માત્ર સમય.કબાટ માં ફાંફાં મારતા મારતા કયાંક કોઇ ફાઇલમાંથી પીળો પડી ગયેલો જનમ દાખલો હાથમાં આવે ત્યારે અહેસાસ થાય છે, "અરે ! આપણે તો મોટા થઇ ગયા." આજે અરીસાની સામે ઉભો રહિને વાળ ઓળું છું ત્યારે એમાં ચમકતી ચાંદી પરિપકવતાનો પુરાવો આપે છે અને મને ખોવાય જવાય છે અતીતના સંભારણાંઓમાં,જન્મ થયો એ સમયે ન હતા મોબાઇલ કે ન હતા કોમ્પયુટર કે ન હતું ટીવી.હતી તો બસ માત્ર ઘરનાં ખાલી ઓરડાંઓમાં જગ્યા અને એટલી જ જગ્યા દિલમાં...સ્કુલમાં એડમિશન. થોડૉ ડર, થોડો ગુસ્સા સાથે રોજ સ્કુલે જવાનું .મમ્મી હેતથી વાળ ઓળી આપે, નાસ્તાનો ડબ્બો તૈયાર કરી આપે, બુટની દોરી ધ્યાનથી બાંધી આપે કે રખેને મારૂ બાળક દોરીને કારણે પડી જાય છતાંય એ બધું 'હાંસ્ય' માં મુકીને બપોરે કે સાંજે સ્કુલેથી પાછા આવીએ ત્યારે હાલત મિલ મજુર જેવી થઇ જાય.વેકેશનમાં મામાને ઘેર જવાનો ઉત્સાહ, શેરી અને વર્ગોમાં મિત્રો સાથે કરેલી ધમાલ બધું યાદ આવે છે.ઉચ્ચતર માધ્યમિક માં પ્રવેશ લીધો એ સમયે એવું લાગ્યું હતું કે હવે તો મોટા થઇ ગયા છતાંય જીવનશૈલીમાં લેશમાત્ર ફરક નહિં ફરક માત્ર એટલો કે દેખાવ પ્રત્યે સભાન બન્યા...એમને એમ કૉલેજમાં પ્રવેશ લીધો અને ત્યાં દેખાવ પ્રત્યે થોડાં વધારે પડતાં જ સભાન થયાં.હોઠે યુવાનીના પુરાવા રૂપે મુંછના દોરાઓનું આગમન અને છોકરીઓને "ઇમ્પ્રેસ" કરવાં રોજ નવાં ને નવાં ગતકડાંઓનો આશરો...વિવિધ 'ડે' ની ઉજવણી અને એની સાથે જોડાયેલા દરેક યાદગાર પ્રસંગો.કૉલેજકાળમાં હાથમાં પહેલ વહેલી પકડેલી પકડેલી સિગરેટ જે તે સમયે શોખ હતો જે આજે જરૂરિયાત બની છે.કૉલેજ ના છેલ્લા છેલ્લા વર્ષ સુધી કારકિર્દી માટે ન લેવાયેલો નિર્ણય જે વડીલો સાથે માત્ર ૩ કલાકમાં લીધો હતો.ત્યારબાદ લગ્ન નક્કિ થયા અને ભવિષ્યનાં સુખી સંસારનાં સપનાઓની વણઝાર.ભાવિ પત્નિ સાથેના મીઠા ઝગડાઓ અને એને મનાવવા લખેલી આડી અવળી કવિતાઓ અને દરેક કવિતા બાદ એના મુખ પરનું એ હાસ્ય હજુય યાદ આવે છે કે જાણે હજુ ગઇ કાલની જ તો વાત છે. લગ્ન કરીને સંસાર માંડયો બધાં ઝગડાઓ, રિસામણા, કવિતાઓ વરાળ થઇને ઉડી ગયું. ઝગડાઓ તો હજુ પણ થાય છે પરંતુ થોડા ઉગ્ર સ્વરૂપના છતાંય સંસાર છે ચાલ્યા કરે એમ કહિને મન મનાવ્યું...બાળકોનું આગમન અને સંસાર માં સંપુર્ણપણે પ્રવેશ.બાળકના ભવિષ્યની ચિંતા,સ્કુલમાં એડમિશન અને તેઓની દરેક જરૂરિયાત સંતોષવા કેટલીય ઇચ્છાઓની અવગણના કરવી પડી હતી અને છતાંય આજે તો એમજ સાંભળવા મળે છે, "તમે અમારા માટે કર્યું શું છે ???" એમ ને એમજ ત્રીસીમાં પ્રવેશ અને બાળકોએ ગુમાવેલી દાદા-દાદીની છત્રછાયા.ઘરમાં એક પછી એક વડીલોએ લેવા માંડેલી વિદાઇઓ અને ઘરમાં વડિલ તરીકે મેળવેલું સ્થાન.બાળકોના ભણતર અને ઇચ્છાઓનાં લાંઆઆઆબા લિસ્ટમાં બીજા વીસ વર્ષ એક જ ઘરેડમાં વિતાવ્યા.બાળકોનો યુવાનીમાં પ્રવેશ અને આપણો પ્રોઢાવસ્થામાં...બાળકોની કારકિર્દિનું ટેન્સન અને બીજી તરફ લગ્નનું , બાળકો "સેટ" થયાં ત્યાં ઘણાં કોડથી તેને માટે કન્યાની ચલાવેલી શોધ ત્યાં એક દિવસ અચાનક ઘરમાં નવદંપતિનું થયેલું આગમન...(શું અમે એટલા પણ નજીક ન હતાં કે અમને જણાવી ન શકો ???)છતાંય હેતથી કરેલું સ્વાગત થોડો સમય બધું બધું બરાબર ચાલ્યું અને ત્યાંજ વચ્ચે નડતરરૂપ બન્યું 'જનરેશન ગેપ' પુત્રની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ અને આપણે હતાં મુક પ્રેક્ષક...'વન'વાસ ભોગવીને જન્મદિવસની કેક પર સાંઠ મીણબતીઓ ગોઠવવાનો સમય આવ્યો ત્યારે નોકરીમાંથી નિવ્રુતિ જાહેર થઇ હતી અને વિચાર્યું હતું કે ચાલો હવે આપણી મરજી થી જીવીશું ત્યાંતો અચાનક જીવન સંગિની એ હાથ છોડયો અને દુનિયાને સદાને માટે અલવિદા કહિને ચાલી નીકળી.ઘરમાં એક વ્યકિતીની વિદાય સાથે જ નવી વ્યકિતનું આગમન થયું જેની સાથે રમવામાં અને કાલીઘેલી ભાષામાં વાતો કરવામાં થોડાં વર્ષો ખેંચી કાઢ્યા ત્યાંતો એણે પણ દુનિયાદારી ના પાઠ શીખવા સ્કુલમાં પ્રવેશ લીધો.'ચાંદામામા' અને 'ચંપક'નું સ્થાન 'ફેન્ટમ' અને 'સુપરમેને' લીધું .ત્યારબાદ તો રોજ સવાર-સાંજ મંદિર અને બગીચામાં જ પુરી થાય છે.તુંકારે બોલાવવા વાળું કોઇ રહ્યું નથી જેથી હવે તો જલ્દિથી 'વિઝા' પાસ કરાવીને પુષ્પકમાં બેસીને મારા મિત્રોને, મારી સખી સમી અર્ધાંદિની ને મળવું છે...
-રાજન ઠકકર.

1 comment:

Krishna The Universal Truth.. said...

verry impressive but te aa emotional kem lakhyu ?? tu to avalchando chuu ne?? je pan lakhyu kharekhar thoda shabdo ma ghanu kahyu..