Sunday, October 19, 2008

પવલાનો પુનઃવસવાટ ગંગાનગરમાં

મારો ખાસ મિત્ર પ્રવિણ હમણાં મને બસમાં મળ્યો હતો. વર્ષો પહેલા એ અમારી ગંગાનગર સોસાયટીમાં જ રહેતો હતો પછી એ એના પરિવાર સાથે ગામ રહેવા ચાલ્યો ગયો હતો. એ સુરત એની નોકરીના ઇન્ટરવ્યુ માટે અને છોકરીના ઇન્ટરવ્યુ માટે જતો હતો ત્યારે એણે શું કર્યું હતુ એ તો મેં આપને જણાવ્યું ત્યારબાદ ૨-૩ દિવસ પછી એક સાંજે મારી પર ફોન આવ્યો. હું ઓફિસમાં બેઠો હતો અને મારો મોબાઇલ રણકયો...મેં ફોન ઉચક્યો, "હલો કોણ બોલો ???" પ્રવિણ, "અલા કાં(કયાં) છે ??? હું કરે છે ???" અચાનક થયેલા આવ હુમલાથી હું ડઘાઇ ગયો. હું શું બોલું ન બોલું ના અવઢવ માં હતો ત્યાં એણે ફરીથી ફોન પર બરાડો પાડયો, "સાલા કાં મરી ગિયો ??? પ્રવિણ બોલું છું પ્રવિઇઇઇઇણ." એનો ફોન પર અવાજ એટલો મોટો હતો કે મારાથી પણ ઘાંટો પડાઇ ગયો, "કોઅઅઅઅઅણ ???". મારા સિનિયર અને બાકિના મારા જેવા જુનિયર મિત્રો મારી સામે જોવા લાગ્યા.હું તરત જ ઓફિસની બહાર નીકળી ગયો.
"અલા પ્રવિણ બોલું પવલો... પવલો..." -પ્રવિણ.
"બોલ શું કામ હતું ??? હું અત્યારે ઓફિસમાં છું." મેં ફોન જલ્દિ પતાવવા કહ્યું.
"હાંભળ ઉં કાલે આવવાનો છું. બપોરે ૨.૦૦ વાગાની આસપાસ.બાકિની વાત તાં આવીને કરા." -પ્રવિણ.
મેં "ઓકે" કહિને ફોન મુકિ દિધો.બીજા દિવસે રવિવાર હતો એટલે હું બપોરે જમીને આરામથી કોમ્પ્યુટર પર ગીતો સાંભળતો હતો ત્યાં જ એણે મારા ઘરે આવીને બુમ પાડી, "રાજનીયાઆઆઆઆઆ" મારે કોણ પુછવાની જરૂર ન હતી હું તરત જ બહાર નીકળ્યો. મને આનંદ પણ એટલો જ થતો હતો અને મુંઝવણ પણ એટલી જ થતી હતી ત્યાં જ એણે ચોંકાવનારા સમાચાર આપ્યા, "યાર રાજનીયા આપણે જામિ પયડા." એ બહુ ફોર્મ માં આવે છે ત્યારે એવું એવું બોલે છે કે મને કંઇ સમજાતું નથી મેં એને કહ્યું કે ભાઇ જરા ખુલી ને વાત કર મને કંઇ સમજાયું નહિં...તો કહે, "સાલા તું વકિલ થવાનો પણ તને તો કંઇ હમજ જ ની પડે."
" અલા મેં તને તે દિવસે ની કયલુંઉઉઉઉ ???" ત્યારબાદ એણે કવિ નર્મદની જેમ આંગળી ઉંચી કરીને સંજ્ઞા કરી બોલ્યો, " નોકરી અને છોકરીઇઇઇ ????" હું એ શું કહેવા માંગે છે એ તરત સમજી ગયો અને મેં એક સામટું "હા હા હા હા" કર્યું. તેમ છતાં મને ગુંચવણ હતી કે આ છોકરી માં જામી પડયો કે નોકરીમાં પણ એણે મારી આતુરતાનો તુરંત અંત આણ્યો કારણ કે એ મને કહેવા એટલો જ ઉત્સુક હતો એણે મને ખુશ ખબર આપ્યા કે એને નોકરી અને છોકરીની લોટરી લાગી છે.હું ખુબ ખુશ થયો અને એણે મને કહ્યું કે અત્યારે એનું જુનું ઘર ખોલીને સાફ કરવાનું છે આમ કહિને એણે મારી બધી ખુશી પર ગરમ બપોરે ઠંડુ પાણી રેડયું તેમ છતાં હું અને પવલો એના જુના ઘરે ગયા.પવલા એ તાળું ખોલીને ઓટલો સાફ કર્યો અને ઉંબરે પગે લાગ્યો એ ઢ્ર્ષ્ય જોઇને હું ખુબ ભાવુક થયો મને લાગ્યું કે ચાલો લસણમાં કંઇ ગંભીરતા તો આવી પણ એણે મારી એ માન્યતાનું તરત જ ખંડન કર્યું.અમે બંને એના ઘરમાં ગયા ત્યાં ચારે તરફ ધુળના ઢગલા હતા અને હરામખોરે જાણી જોઇને પંખો ચાલુ કર્યો અને બધી ધુળ મારી પર ઉડી.તે સમયે જો તમે મને જુઓ તો એમજ લાગે કે આ માણસને ધુળ પ્રત્યે ખુબ લાગણી છે.મને પવલા પર ખુબ જ ખુન્નસ ચઢયું ત્યારબાદ અમે બંને વીર યોધ્ધાઓની જેમ હાથમાં ઝાડૂ અને ગાભા લઇને મેદાનમાં ઉતર્યા.લગભગ ૨ કલાક મહેનત કર્યા બાદ અમે એનું ઘર સાફ કરી પરવાર્યા.અને અમે બંને ચા પિતા મારા ઘરે બેઠા હતા ત્યાં એનો મોબાઇલ રણ્કયો અને એ તરત જ મારા ઘરની બહાર નીકળ્યો અને હું કંઇ સમજું એ પહેલા એણે જોરમાં બુમ પાડી, "આ બાજુઉઉઉઉઉઉઉ.....ઇંયાયાયાઆઆઆઆ" અને એક જોરમાં સીટી મારી ત્યાં તો એક ટેમ્પો અમારા ઘરની પાસે આવીને ઉભો રહ્યો અને એમાંથી એક છોકરી ઉતરી એ છોકરી એમ તો સારા ઘરની લાગતી હતી પણ એ ટેમ્પામાંથી ઉતરી એટલે મને થોડૂં આશ્ચર્ય થયું પણ મેં એ બાબતે બહુ ધ્યાન ન આપ્યું.પવલા એ તરત જ ટેમ્પાનો કબ્જો લીધો અને મને બુમ પાડી, "ચાલ સાલા કામે લાગી જા... આ સામાન ગોઠવવામાં મદદ કર,આમ ઉભો ઉભો જોયા હું કરે છે ?".હું કામે લાગ્યો મેં અને પ્રવિણ એ બધો સામાન ટેમ્પામાંથી ઘરમાં મુક્યો અને ટેમ્પા વાળૉ પેલી છોકરીને લીધા વિના વિદાય થયો એણે પ્રવીણ પાસે ભાડું પણ ન માંગ્યુ એ વાતની મને નવાઇ ન લાગી કારણ કે એ અમદાવાદિના પૈસે ગાંઠીયા ખાઇ આવે એવો છે.ત્યારબાદ એ સામાનનો કબ્જો પેલી છોકરી એ લીધો હું અને પ્રવિણ એને સામાન ગોઠવવામાં એની મદદ કરતા હતા અને બીજા એકાદ કલાકની મહેનત બાદ બધૂ કામ પત્યું.અને ત્યારે મારી અકકલ ઘાસ ચરવા ગઇ હતી કે મેં એ છોકરી ને કહ્યૂ, "ઓ બાઇ જરા અહિંયા સાફ કરી દો અહિંયા ગંદુ થયું છે." અને મેં વાંદરાના હાથમાં તલવાર આપી. પવલો મચી પડયો એ પણ "ઓ બાઇ... ઓ બાઇ" કરવા માંડયો.અને ન હોય ત્યાંથી ગંદકિ શોધીને સફાઇ કરવવા
લાગ્યો. એમ તો હું નિયમિત સિગરેટ નથી પિતો પણ તે દિવસે પવલા એ કહ્યું, "ચાલ એક એક સુટ્ટો મારવા જઇએ." અને હું અને પવલો એના ઘરની પાછળના ભાગમાં ઉભા ઉભા નિરાંતે સિગરેટ પિતા હતા ત્યાં જ પેલી છોકરી કંઇ શોધવા આવી.પ્રવીણએ એને જોઇને ફટાફટ સિગરેટ ફેંકિ દિધિ અને મને અચાનક સિગરેટ પિવાના ગેરફાયદા સમજાવવા માંડયો.હું જરા ગુંચવાયો કે આ કહેવા શું માંગે છે ??? અને કંઇ બોલું એ પહેલા પેલી બાઇ કે જેનું નામ રેખા હતું (જે મને પાછળથી જાણ થઇ હતી) એ આવી અને પવલાને કહેવા લાગી, "તમે તો આવું જ કરો છો, મને કાલે જ તો પ્રોમિસ આપેલું કે અવે તમે કોઇ દિવસ બ્રિસ્ટોલ ની પિઓ અને આજે આ તમારા દોસ્તાર હાથે બ્રિસ્ટોલ પિવા માંયડા." અને છણકો કરીને ચાલી ગઇ.મને તો હજુ પણ કંઇ સમજ માં આવતું ન હતું કે આ બધુ શું ચાલી રહ્યું છે !!! પવલો પેલી ની પાછળ પાછળ એને મનાવવા ચાલ્યો ગયો મેં મારા હાથ
માંની સિગરેટ બુઝાવી અને કંઇ સમજી શકાય એ હેતુથી અંદર ગયો અને મને ત્યાં જ આખું રામાયણ સમજ માં આવ્યું.વાત જાણે કે એમ હતી કે ઉપરોકત છોકરી જેને હું બાઇ ના નામથી સંબોધીત કરતો હતો તે પવલાની થનાર પત્નિ હતી અને મેં ભુલથી એને બાઇ કહિને બોલાવી હતી એટલે પવલો પણ મારી અને એ રેખાની ફિરકિ લેવા એને "બાઇ...બાઇ" કરતો હતો પેલો ટેમ્પા વાળો આ રેખાનો ભાઇ હતો.પવલો સિગરેટ પિએ છે એ બાબતની જાણ રેખાને હતી અને પવલાએ છોડી દેવાનું વચન આપ્યું હતું (રેખાને નહિં સિગરેટને) પણ એ સીધો ન રહ્યો અને એણે રેખાની સામે મને છાકટો સાબિત કર્યો.આમ મારી અને રેખાભાભી ની પહેલી મુલાકાતમાં જ મારી છાપ એમની સામે કેવી પડી છે એ વિચારી વિચારી ને હું થાકિ ગયો છું અને મને એક વાતનો તો વિશ્વાસ છે કે એમની સામે મારી છાપ ખરાબ ભલે ન પડી હોય તો સારી તો નથી જ પડી...
હવે તો આ જોડી થી ઇશ્વર જ બચાવે.

4 comments:

Krishna The Universal Truth.. said...

wah...superb che Rajs....majja avi jay evu...mane bahu game che taro blog....ane wording pan tu mast use kare che...

V.L.V.A said...

રાપચડુસ

"आलस" נαуηαяαуαη ραтєℓ said...

રાજભાઈ શું આ રોજનીશી ની વાતો લખો છો ?

તેજસ ભાવસાર said...
This comment has been removed by the author.